કોરોના કાળની રસી અને તેની સાઇડ ઇફેક્ટ્સની ચર્ચા ફરી વૈશ્વિક સ્તરે ગરમ બની છે. મેટાના સ્થાપક માર્ક ઝકરબર્ગે રસી અને સરકારી દબાણ પર મોટું નિવેદન આપ્યું છે. તેમના આ નિવેદન બાદ જાણીતા ઉદ્યોગપતિ એલન મસ્કે પણ સંમતિ દર્શાવી છે. બંનેનાં નિવેદનોએ મહામારી દરમિયાન માહિતી પરના નિયંત્રણ અને બોલવાની સ્વતંત્રતા પર નવી ચર્ચા છેડી છે.
જાન્યુઆરી ૨૦૨૫માં જાણીતા સંવાદક જો રોગન સાથેની વાતચીતમાં માર્ક ઝકરબર્ગે કોરોના કાળની કેટલીક ઘટનાઓ વિશે માહિતી આપી.તેમણે કહ્યું કે કોરોના રસીકરણ દરમિયાન અમેરિકાના તત્કાલીન જો બાઇડન વહીવટીતંત્રના કેટલાક અધિકારીઓએ તેમની કંપની પર રસીની સંભવિત આડઅસરો વિશેની કેટલીક સામગ્રી દૂર કરવા દબાણ કર્યું.ઝકરબર્ગ મુજબ, કેટલીક એવી માહિતી પણ દૂર કરવા કહેવાઈ હતી જેમાં રસીની સંભવિત આડઅસરોની વાત હતી. તેમણે આનો વિરોધ કર્યો, કારણ કે રસીની આડઅસરો થવાની શક્યતા એ તબીબી હકીકત છે. ઝકરબર્ગે એ પણ સ્પષ્ટ કર્યું કે તેઓ સામાન્ય રીતે રસીકરણના પક્ષમાં છે અને તેમને લાગે છે કે રસીના ફાયદા જોખમો કરતાં વધારે છે.
માર્ક ઝકરબર્ગના નિવેદન પછી એલન મસ્કે પણ આ મુદ્દે પોતાનો પ્રતિભાવ આપ્યો. ઓગસ્ટ ૨૦૨૪માં ઝકરબર્ગે અમેરિકી સંસદની ન્યાયિક સમિતિને લખેલા પત્ર અંગે મસ્કે ટિપ્પણી કરી.મસ્કે કહ્યું કે જો સરકાર કોઈ સોશિયલ મીડિયા કંપની પર ચોક્કસ માહિતી દૂર કરવા દબાણ કરે તો તે અમેરિકાના બંધારણમાં આપેલા બોલવાની સ્વતંત્રતાના અધિકારનું ઉલ્લંઘન ગણાય.આ મુદ્દે મસ્કે પારદર્શિતા અને લોકોને માહિતી જાણવાનો અધિકાર હોવાની વાતને ટેકો આપ્યો.ઝકરબર્ગે પોતાના નિવેદનમાં કહ્યું કે વર્ષ ૨૦૨૧ દરમિયાન અમેરિકી વહીવટીતંત્રના કેટલાક વરિષ્ઠ અધિકારીઓએ તેમની કંપનીની સામગ્રી નિયંત્રણ કરતી ટીમનો વારંવાર સંપર્ક કર્યો.
તેમના મુજબ, અધિકારીઓ કેટલીક સામગ્રી દૂર ન થાય ત્યારે નારાજગી વ્યક્ત કરતા. તેમાં રમૂજી ચિત્રો અને વ્યંગાત્મક સામગ્રીનો પણ સમાવેશ થતો.ઓગસ્ટ ૨૦૨૪માં ઝકરબર્ગે અમેરિકી સંસદની ન્યાયિક સમિતિને લખેલા પત્રમાં કહ્યું કે સરકાર તરફથી કંપની પર કરવામાં આવેલું દબાણ યોગ્ય નહોતું અને તે સમયે કંપનીએ વધુ મજબૂતીથી પોતાનો પક્ષ રજૂ કરવો જોઈતો હતો.
બીજી તરફ, તત્કાલીન વ્હાઇટ હાઉસે કહ્યું કે મહામારી દરમિયાન જાહેર આરોગ્ય અને લોકોની સુરક્ષા જાળવવાના હેતુથી સોશિયલ મીડિયા કંપનીઓને જવાબદારીથી કામ કરવા પ્રોત્સાહિત કરાઈ હતી.વિશ્વ આરોગ્ય સંસ્થા મુજબ કોરોના રસી લીધા પછી કેટલાક લોકોને તાવ, માથાનો દુખાવો, થાક, સ્નાયુમાં દુખાવો અને રસી મૂકેલી જગ્યાએ સોજો જેવી સામાન્ય આડઅસરો થઈ શકે છે. સામાન્ય રીતે આ લક્ષણો થોડા દિવસોમાં જતા રહે છે.
કેટલીક ગંભીર આડઅસરો પણ નોંધાઈ છે, પણ તે ખૂબ જ દુર્લભ છે. ઉદાહરણ તરીકે, અમુક પ્રકારની રસી પછી હૃદયના સ્નાયુમાં સોજો આવવાના કિસ્સા નોંધાયા છે. આવી ઘટનાઓ અંગે સતત તબીબી દેખરેખ અને સંશોધન ચાલુ છે.